ગુજરાતી થઇ ગુજરાતી કોઇ - અવિનાશ વ્યાસ
ગઇ કાલે વિશ્વ માતૃભાષા દિવસ ગયો. થોડી ગેરસમજને કારણે કાલે તેની ઉજવણી ન કરી શક્યાં. પણ કોઇ વાંધો નહીં. આજે તે ઉજવણી પૂરી કરીયે. આજે વિશ્વની સહુથી વધુ બોલાતી ત્રીસ ભાષાઓમાં સ્થાન ધરાવતી આપણી માતૃભાષાને પ્રણામ હો.
આજનું આ ગીત મસ્તીખોર છે. પણ આ ગીતના શબ્દો સાથે હું બિલકુલ સંમત નથી.
નાનપણથી વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાને કારણે અને અમદાવાદમાં રહેવાને કારણે મારા મોટા ભાગના ઉચ્ચારો શુદ્ધ જ હોય છે. પણ મારા મતે અણીશુદ્ધ ભાષા લખવા અને બોલવાનો આગ્રહ ક્યારેય પણ ન રાખવો જોઇએ. જો આમ કરવામાં આવે તો ભાષા અમુક વર્ગ પુરતી જ સીમીત રહે છે. ભૂતકાળમાં પણ જ્યારે આર્યાવર્તમાં સંસ્કૃત ભાષાનો ડંકો વાગતો હતો ત્યારે તેના પણ બે જ પ્રકાર હતાં
૧. મહાસંસ્કૃત જે વિદ્વાનોની અને સાહિત્યની ભાષા હતી
૨. પ્રચલીત સંસ્કૃત જે રોજબરોજના વહેવારની ભાષા હતી.
૧. મહાસંસ્કૃત જે વિદ્વાનોની અને સાહિત્યની ભાષા હતી
૨. પ્રચલીત સંસ્કૃત જે રોજબરોજના વહેવારની ભાષા હતી.
ગુજરાતના જુદાં જુદાં પ્રદેશમાં ભાષા જુદી જુદી બોલીમાં બોલાય છે તેથી ભાષાનો રત્નાકર ભ્રષ્ટ નથી થાતો, પણ વધુ સમૃદ્ધ થાય છે. ભાષા સહુની છે અને સહુની લાગણીનો પડધો પાડતી વખતે તેમાં જે વિવિધતા પ્રવેશે છે તે જ કોઇ પણ ભાષાને મીઠાસ આપે છે.
કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય
ગુજરાતી થઇ ગુજરાતી કોઇ બોલે નહિ બરાબર
ભાષાની મીઠાસ નહી, જાણે બોલે કાગડો, કાબર.
ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,
અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન.
અને અમદાવાદમાં ચીપી ચીપીને
(પવાલામાં પાણી પીશો)
અને અમદાવાદમાં ચીપી ચીપીને
બોલે બ્રાહ્મણ નાગર.
નર્મદનું સુરત જુઓ
નર્મદનું હુરત જુઓ,
તો બોલે બોબડું બોબડું
તું ને બદલે ટટ્ટુંનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
તપેલીને એ કહે પતેલી
(મારી લાયખા, બટાકાનું હાક)
તપેલીને એ કહે પતેલી
પછી હોય શેઠ કે ચાકર.
એ અજો અજો કંઇ કચ્છી બોલે
એ કાઠિયાવાડી ઓલા હાલો જી રે
એ હાલો બાપા....
કે ચરોતરીમાં કેમ છો,ચ્યમ છો ને ગરબડને ગોટાળા,
હેંડો લ્યાં...
કે સહુએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર
0 પ્રત્યાઘાતો:
Post a Comment