ઘંટડીયું રણકીને રાધાજી - બકુલ ત્રિપાઠી
રાધા વિના કૃષ્ણનું ગીત હોય? અને કૃષ્ણ વિના રાધાનું ગીત કેવી રીતે શક્ય બને? પણ આપણા લાડીલા હાસ્યકાર બકુલ ત્રિપાઠીને કૃષ્ણનાં નામ વિના રાધાનું ગીત લખવાની ઇચ્છા થઇ, ત્યારે રાધાજીએ શું પ્રતિભાવ આપ્યો તે જાણવા જેવો છે. રાધાના તો એક એક અક્ષરમાં કાનો છે. આસિત દેસાઇના સ્વર અને સંચાલન બન્ને અદભૂત છે.આ ગીતના આસ્વાદ માણતા તમે પણ કૃષ્ણમય થઇ જાવ.
કવિ - બકુલ ત્રિપાઠી
સ્વર, સંગીત - આસિત દેસાઇ
(કવિનો રાધાજીને પ્રશ્ન)
રાધા સો ગીત તારા લખવા કબુલ છે,
કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે,
બંસરીની વાત નહીં આવે, બોલ મંજૂર છે,
વાંક નથી તારો, મને વેર નથી મનમાં,
પણ આજે નિર્ધાર મારો પાકો,
કે કૃષ્ણ કેરાં જાદુથી મુક્ત ન એકેય કવિ,
પાડ્યો એણે છે કેવો છાકો
બીજા છો ડરતાં, ભરતાં છો ખંડણી
હું તો કવિ ક્રાંતિ ધ્વજધારી.
માઠું લગાડતી જે મા, ભોળું દિલ રાધિકા,
અમેય અક્કર્મિ કલ્પનાના કંજૂસ્યા
મળતો વિષય ન બીજો તાજો.
પ્રેમની જ્યાં વાત આવી ત્યાં ટપક્યું ગોકુળીયું
ને ગાયો ને જમનાનો કિનારો
કૃષ્ણ વિના તો જાણે પ્રેમ જેવું ક્યાંય નથી,
તારા હું ગીત લખું એકસો ને એક પૂરાં,
પાડીયે રિવાજ હવે ન્યારો,
કે કાનુડાના નામ વિના તારું નામ ગાઇયે
રચીયે દુનિયામાં નવો ધારો.
(રાધાજીનો કવિને પ્રત્યુત્તર)
ઘંટડીયું રણકીને રાધાજી ટહૂક્યાં,કે મારી પરવાનગી શું માંગો?
કૃષ્ણ વિનાના તમે એક સો ને એક શું એક લાખ ગીતડાં ગાઓ
પણ કેમ કરી ગાશો, મને એનું છે અચરજ,
આ આટલામાં સાત વાર આવ્યો
હોઠથી હટાવો તો આંખમાં છુપાતો, ને પાંપણ ઢાળો તો સામે આવે
આંખો ખોલો તો હાશ..., કૃષ્ણ નથી ક્યાંય અરે! હૈયે આ નટખટ સંતાયો
હુંયે રિસાણી'તી એક દી'ને હૈયેથી વાળી-ઝુડીને બહાર કાઢ્યો,
હળવી થઇ દર્પણમાં જોયું તો કૃષ્ણ અને મારો ના ક્યાંય અણસારો.
કપરું છે કામ, ભલે તમને આ હોંશ છે કે કાનાનું નામ નહીં લેવું
પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું, એમા એક એક અક્ષરમાં કાનો
કૃષ્ણ એજ શબ્દ છે મે કૃષ્ણ એજ લય છે, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો
અરે આપણાથી છૂટે કેમ, આપણો જ નાતો, કવિ છોડોને છૂટવાની વાતો
0 પ્રત્યાઘાતો:
Post a Comment