Sunday 28 August 2011

મોર બની થનગાટ કરે - ઝવેરચંદ મેઘાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસે આ સુંદર ગીત. રવિન્દ્રનાથઠાકુરની કવિતાનો પોતીકો લાગતો આ અનુવાદ માણીયે.


કવિ - ઝવેરચંદ મેઘાણી
સ્વર - ચેતન ગઢવી



મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક ઇતો નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.



(શબ્દો - મિતિક્ષા)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP