Thursday 17 May 2012

હાં રે અમે ગ્યાતાં - રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ




નવરાતરી આવી છે.
બાપૂ કહે: ભગલા,
રામગર બાવો તો આરડે છે.
ગરબી તો અમે ગવરાવતા.
ઈ ય એવી કે
જોગણીયું વાદાકોદ કરે :
હું રમું ને તું નહીં; હું રમું ને તું નહીં.

ભગલે ઈ વાતનો ઢંઢેરો પીટ્યો
એટલે જુવાનિયાઉએ હઠ લીધી:
બાપુ ગરબી ગવરાવે તો હા, નીકર ના.

આવા માતાજીના કામમાં
બાપુથી ના નો પડાણી: ક્યે:
‘ભલે ત્યારે, ગવરાવશું,
એક એકનું માથું ભાંગ એવે ગરબી.’

હડૂડૂડૂ કરતા સૌ થ્યાં ભેળાં.
રોશનિયું-બોશનિયું થઈ ગઈ છ્
હૈયેહૈયું દળાય છ્.
જુવાનિયા અમથા-અમથા
દાંડિયા ઉલાળે છે.
સૌના પગમાં હરખ આંટો વાઢી ગ્યો છ્
વ્રેમાંડ લગી ઉતાવળ્યું આંબી ગૈ છ્
ઓહોહોહો, બાપ આજ તો ધણી ગરબી ગવારે છ!

બાપુ મૂછ ઝાટકી
ખોંખારો ખાઈ ઉપાડે છ્ ગરબી:
‘હાં રે મને ગ્યા’તાં…’

ને શિવો ગોર ઓટલેથી બરાડ્યો:
‘એલા અહૂરું ઘંટી કોણ ફેરવે છ્?’

કીકિયારામાં કોઈને સંભળાણું નહીં.

ભગલો ક્યે:
‘કોઈ સાંભળતું નથી, બાપુ,
સાવઝ જેવો અસલી અવાજ કાઢોને!’

‘લે ત્યારે,’ – એમ બોલી
બાપુએ મ્યાનમાંથી તલવાર્ય કાઢતા હોયએમ
ગળામાંથી આંતરડાતોડ હાંક કાઢી
‘હાં રે અમે ગ્યા’તા…’
- ને સરરર કરતું કાં’ક ફાટ્યું.

એકબે ધાવણાં બી ગ્યાં.
બાયું ભેરાંટી રહી.
જુવાનિયા ડાંડિયા ફેંકીને દોડ્યા : ‘શું થિયું, શું થિયું?’
ભગલો ક્યે:
‘થાય શું? ઈ તો બાપુએ ગરબી ગવરાવી.’

ભગલામે ફોડ પાડ્યો ને બાપુને પોરસાવ્યા:
‘થાવા દ્યો બાપ, થાવા દ્યો.’
બાપુએ છાતી ફૂલાવી પોઝીશન લીધી.
એક હાથ લાંબો કર્યો.
બીજા હાથને કાન પર મૂક્યો.
પછી હોઠ હલ્યાં.
જડબાં ઊઘડ્યાં.
છાતી ઊંચીનીચી થઈ.
આંખ્યું તગતગી.
મૂછો થરથરી.
પરસેવા હાલ્યા.
ત્યારે ઊંદરડી મૂતરે એટલોક અવાજ નીસર્યો:

‘હાં રે અમે ગ્યા’તા…’

ભગલો બોલ્યો:
‘અરેરે, તમારો અવાજ તો
સાવ બેસી ગ્યો, બાપુ…’
બાપુ મૂછે તાવા દઈને બોલ્યા:
‘બેસે જ ને?
એક હાંકે દુશ્મનની છાતીયું
બેસાડી દઈએ તો અવાજ તે શી વિસાતમાં?’

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP