અમદાવાદની ઉત્તરાણ - શ્યામલ સૌમિલ
આપણે ઉત્સવઘેલા છે. ગુજરાતીઓ નાનામોટા ઉત્સવને જેટલા ઉત્સાહથી ઉજવે છે, તેટલું ભાગ્યે જ કોઇ ઉજવતું હશે. આજે આકાશને વધાવવાનો ઉત્સવ, ઉત્તરાયણ છે. સહુને ઉત્તરાયણની ખુબ ખુબ શુભેચ્છા. આ પ્રસંગે એક સરસ ઉત્તરાયણગીત.
કવિ, સ્વર, સંગીત – શ્યામલ સૌમિલ
અમદાવાદની ઉત્તરાણ,
આકાશી મેદાને પતંગ દોરીનું રમખાણ.
કોઇ અગરબત્તીથી પાડી કાણાં કિન્ના બાંધે,
કોઇ ફાટેલી ફુદ્દીઓને ગુંદરપટ્ટીથી સાંધે,
કોઇ લાવે, કોઇ ચગાવે, કોઇ છૂટ અપાવે,
કોઇ ખેંચે, કોઇ ઢીલ લગાવે, કોઇ પતંગ લપટાવે,
સૌને જુદી મસ્તી, જુદી ફાવટ, જુદી જાણ.
રંગરંગના પતંગનો આકાશે જામે જંગ,
કોઇ તંગ કોઇ દંગ કોઇ ઉડાડે ઉમંગ,
પેચ લેવા કરતું કોઇ કાયમ પહેલ,
ખેલે રસાકસીનો ખેલ કોઇને લેવી ગમતી સહેલ,
ખુશી ને ખુમારી વચ્ચે રંગીલું ઘમસાણ.
સૂરજની ગરમીથી સૌના ચહેરાં બનતાં રાતાં,
ઠમકે ઠમકે હાથે ઝલાતાં સઘળાં પરસેવાથી ન્હાતાં,
કોઇ ટોપી, કોઇ ટોટી, ફેરે કાળા ચશ્માં,
કોઇ ઢઢ્ઢો મચડી, નમન બાંધી પતંગ રાખે વશમાં,
ધિસરકાથી વેઢાં આંગળીના લોહીલુહાણ.
નથી ઘણાય ઘેર, સહુને વ્હાલું આજે શહેર,
ગમે છે પોળના ગીચોગીચ છાપરે કરવી લીલાલ્હેર,
વર્ષો પહેલા ભારે હૈયે છોડ્યું અમદાવાદ.
તેમને ઘરની આવે યાદ, પોળનું જીવન પાડે સાદ,
પરદેશી ધરતીને દેશી આભનું ખેંચાણ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment