માલમ મોટાં હલેસાં તું માર : લોકગીત
આપણી ખામી માટે કોઇ મહેણું મારે તો દુઃખી થવાને બદલે સુધારવા પ્રયત્ન કરીયે તો જીવનમાં સુખી થઇયે. નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે! અહીં દિયર-ભાભીની વાત છે. ભાભીએ દિયરને કટાક્ષમાં કહ્યું કે ' એ આળસુ છે, ભાઇની કમાણી પર જલસા કરે છે!' દિયરને મહેણું લાગી જાય છે ને દરિયો ખેડીને કમાવા ને ભાભીને ખુશ કરવાની નેમ લે છે. આ લોકગીતમાં દિયર-ભાભીના મીઠા સંબંધોનું સરસ ચિત્ર પણ ઉપસી આવે છે.
લોકગીત
માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર
મેણું માર્યુ છે મને ભાભલડીએ,
દે'ર આળહનો સરદાર;
હે... ભાઇ કમાય ને ભાઇ ઘોડલાં ખેલવે,
એનો બળ્યુ અવતાર રે...
માલમ મોટાં હલેસાં તું માર.
જાવું છે મારે જાવા બંદરે જ્યાં
લખમીનો નહિ પાર
હે... જાવે ગિયા કોઇ પાછા ન આવે
આવે તો બેડલો પાર રે...
માલમ મોટાં હલેસાં તું માર.
જાવું છે મારે સિંહલદ્વીપમાં,
પરણવા પદમણી નાર;
... મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે...
માલમ મોટાં હલેસાં તું માર.
કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
હે... મેણાં મારીને મારી મતિ સુધારી
ખોલ્યાં તે મનનાં દ્વાર રે...
માલમ મોટાં હલેસાં તું માર.
મારે જાવું મધદરિયાની પાર
0 પ્રત્યાઘાતો:
Post a Comment