Tuesday 15 June 2010

હા રે અમે બાલમંદિરમાં ભણીયે - બાળગીત

વહેલી સવારે ઘેટાંબકરાંની જેમ રીક્ષા અને વાનમાં બાળકોને ભરીને જતાં જોયા એટલે થયું કે નિશાળો ચાલુ થઇ ગઇ અને બાળકો કતલખાને જાય છે. આજે સહુથી વધારે વાત ભાર વગરના ભણતરની થાય છે, અને ભણતરનો ભાર જ વધતો જાય છે. બે મહિના પહેલાં મારા કાકી મને કહે, 'ભારતીય નૌસેના પર પાંચ વાક્ય લખી આપને.' કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે એમના અઢી વર્ષના બાબાને ઇન્ડીયન નેવી પર સ્પીચ આપવાની છે!!! લો કરો વાત. ચકલી, પોપટ વગેરેની મિત્રતા કેળવવાની ઉંમરે આવા અઘરાં વિષય પર વાક્યો ગોખવાનું આને શું કહેવાય? બાળમજૂરી.



આજે નિશાળો અદ્યતન બની છે, પણ શિક્ષણ કેમ અસરકારક નથી બન્યુ? આજની શાળાઓ 'સૂટેડ-બુટેડ મજૂરો' પેદા કરતી ફૅક્ટરી બની ગઇ છે. આશ્ચર્યની વાત એ છે કે વિદ્યાર્થીને ગુજરાતી માધ્યમા ભાણાવવો કે અંગ્રેજી માધ્યમમાં, આ વિષય પર જેટલી ચર્ચા થાય છે તેટલી ચર્ચા વિદ્યાર્થીને શું ભણાવવું તેના પર થતી નથી. આથી જ આજનો વિદ્યાર્થી શિક્ષિત પછાત રહે છે.

સ્વર - ???




 હા રે અમે બાલમંદિરમાં ભણીયે,
 હા રે અમે નવી નવી વાતો શીખીયે.

અમે સંગીતના વર્ગમાં જઇએ,
 અને નીત નવાં ગીતો ગાઇએ.
 અને ઢોલકના થાપ પર નાચીયે

હા રે અમે બાલમંદિરમાં ભણીયે,
હા રે અમે નવી નવી વાતો શીખીયે.

અમે નાનકડાં બંગલા બનાવીયે
અમે માટીના રમકડાં બનાવીયે
અમે કાગળની હોડી બનાવીયે
 

હા રે અમે બાલમંદિરમાં ભણીયે,
હા રે અમે નવી નવી વાતો શીખીયે.

 અમે બાગમાં હીંચકા ખાઇએ
 અમે લસરપટ્ટીમાં લસરિયે
 અમે ચકડોળમાં બેસીને ફરીયે

હા રે અમે બાલમંદિરમાં ભણીયે,
હા રે અમે નવી નવી વાતો શીખીયે.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP