મોગરાનાં ફૂલ સખી - કવિ માવદાન રત્નુ
આજે મધ્યયુગીય ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનારા તત્વ વિશે વાત કરવી છે. તે છે સ્વામિનારાયણ કીર્તનો. ઇ.સ. ૧૮૦૦ થી ૧૮૫૦નો સમય આ કીર્તનોનો સમય છે,
સ્વામિનારાયણ સંતોએ પુષ્કળ લખ્યું, અનેક વિષયો પર લખ્યું, વિવિધતાથી લખ્યું, ગુણવત્તાસભર લખ્યું અને સહુથી વિશેષ સરળ ભાષામાં લખ્યું. ખુદ શ્રીજી મહારાજનો આગ્રહ સાહિત્યને સરળ શબ્દોમાં રજૂ કરવાનો હતો. આથી જ આ પદો મોટી મોટી જ્ઞાનની વાત સરળ શબ્દોમાં સમજાવી દે છે. સ્વામિનારાયણ સાહિત્યની વિશેષતા સમજાવતા કવિશ્વર ન્હાનાલાલ કહે છે કે
"આ યુગના કોઇ પણ નવસંપ્રદાયમાં હજી નથી જન્મી એવીને એટલી સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા છે. દયારામનાં તાલાવેલી, ઉછળાટને આવેગ, નરદિંહનાં ભાવવેગ ભરપુર, મીંરાનું લાડસોહામણું લાવણ્ય, ભોજાના ચાબખા, અખાના હથોડા, ધીરાની કાફીઓ, રત્નાના મહીના, રાજેના તલસાટ- કવિતાના એ સહુ રસપ્રકારો સ્વામિનારણીય કવિતાભંડારે ભરેલા છે."
તત્કાલીન (અનેઆજે પણ) સાહિત્ય પર નજર ફેરવીયે તો તેમાં બીભત્સતા, જુગુપ્સાપ્રેરક લખાણથી લથબથ સાહિત્ય જોવા મળે. પણ જેમ ગંગાના મેદાનથી ફળદ્રુપ કાંપના મેદાનમાં સોપારી ભાંગવા જેટલો નક્કર પથ્થર મળે નહિ, તેમ સ્વામિનારાયણીય સંતોના સાહિત્યપ્રવાહમાં ક્યાંય અશ્લીલતાનો અંશ ન જોવા મળે.
એક ઊડતી નજર નાખી દઇએ આ સંપ્રદાયે આપેલા સાહિત્યપ્રદાન તરફ.
૧. કો'કના લગ્નપ્રસંગે ગવાતાં બીભત્સ ફટાણાં સાંભળીને મહારાજે મુક્તાનંદ સ્વામીને રાધાવિવાહ, રૂક્મિણીવિવાહના પદો રચવા આજ્ઞા કરી.આજ સ્વામિની રચના 'સતીગીતા' પર ફ્રેંચભાષામાં શોધનિબંધ 'La Satigita de Muktanand' રચી ફ્રાન્સની મિસ મેલીઝા ફ્રાન્ઝવાએ Ph.D.ની પદવી મેળવી છે.
૨. સ્વામી પ્રેમાનંદની રચના વિશે A Comprehensive History of India (Vol-XI)માં લખ્યું છે કે એમનાં પ્રતિકોની પસંદગી, સુંદર શબ્દોનો ઉપયોગ અને ઊંડી લાગણીયો તથા અભિવ્યક્તિની હથોટી તેમને મધ્યકાલીનયુગના શ્રેષ્ઠ કવિઓની હરોળમાં મુકે છે.
૩. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજે કરેલા રાસોત્સવનું વર્ણન કરતું 'રાસાષ્ટક' રચ્યું. જેને સાંભળીને કવિશ્વર રવિન્દ્રનાથ ટાગોર 'વાહ બ્રહ્માનંદ, વાહ બ્રહ્માનંદ' બોલતા ડોલી ઊઠ્યા અને તેમણે કવિ કાગને કયું કે 'મેં મારી જિંદગીમાં કોઇ દિવસ આવી કવિતા સાંભળી નથી.'
૪. નિષ્કુળાનંદ સ્વામીના પદો વિશે 'ભગવદ્ગોમંડલ' લખે છે કે 'ગમે તેવા પ્રવૃત્તિમાર્ગમાં, ઘડમથલમાં તલ્લીન થયેલો માણસ, સર્વ પ્રકારે સુખ અને ઇંદ્રિયોપભોગમાં ગરકાવ થયેલો માણસ પણ એક વાર જો નિષ્કુલાનંદનાં કાવ્યની લહેરો અનુભવે તો આ સંસારના પોકળપણાની, મનુષ્યોની બાલિશતાની તેમ જ અધમતાની પ્રતીતિ તેને થયા વિના રહેતી નથી. માત્ર વૈરાગ્યનો વિષય જ નિષ્કુલાનંદનાં કાવ્યની વસ્તુ નથી; શૃંગાર, વીર અને કરુણ રસની પણ તેમનાં કાવ્યમાં ઉત્તમ જમાવટ થઈ છે. તેમની વાણી વધારે સંસ્કારી છે, તેમનું વાચન વધારે વિશાળ છે, તેમનું મનુષ્યસ્વભાવનું જ્ઞાન વધારે સંગીન છે, તેમની દૃષ્ટાંત આપવાની ચમત્કૃતિ વધારે હૃદયંગમ છે, તેમનું પદબંધન વધારે શાસ્ત્રીય છે અને તેમનું કાવ્ય વસ્તુ વધારે વિસ્તૃત છે.
૫. પદની સાથે સંગીતમાં પણ સ્વામિનારાયણા સંતો શિરમોર હતા. સ્વામિનારાયણ ભગવાન ગવૈયા સંતોને ખુબ માન આપતાં, તેમને સાકરના પાણી પાતા અને અમૂલ્ય ચીજો આપતા.
૬. એક વાર જૂનાગઢના નવાબ મંદિરે દર્શને પધાર્યા, ત્યાં પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હતા. નવાબે આ સાંભળ્યું. બસ ત્યારથી બીજા દરબારી ગવૈયાનું કીર્તન સાંભળવાનું બંધ કરી દીધું ફક્ત સ્વામિનારાયણ સંતોનું કીર્તન સાંભળતા.
૭. ગ્વાલીયરના ઉત્સાદ ગવૈયાઓએ ગઢડામાં શ્રીહરિને સંગીતનો પડકાર આપ્યો. સંધ્યાનો સમય હોવા છતાં, મહારાજે સંતોને ભૈરવ (વહેલી સવારે ગવાતો રાગ) સંભળાવવા આજ્ઞા કરી. થોડી જ ક્ષણોમાં ભૈરવની હવા જામી ગઇ, સાંજનું વાતાવરણ સવારમાં પલટાવવા લાગ્યું, સુર્યોદયનાં ભ્રમથી કૂકડા બોલવા લાગ્યા. 'જી રે', લોલ..' જેવા ભજનો ગાનાર સાધુઓનું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન જોઇ આ ગવૈયાની બધી ભ્રમણા ભાંગી ગઇ.
૮. શ્રીજીમહારાજનાં સમયમાં 'ગીત-સંગીતતો સ્વામિનારાયણનાં સંતોનું જ' આ માન્યતા બધા રાજદરબારોમાં હતી. એમ કહેવાય છે કે 'મુક્તમુની પદ ગાય ત્યારે મુખ પર લાલ રંગ ઢળે છે, દેવાનંદ મુનિ ગાય ત્યારે રાગ મુર્તિમાન પ્રગટ થાય છે, બ્રહ્મમુનિ ગાતાં મેધના મોરની જેમ હુલસે છે ને પ્રેમાનંદ મુનિ ગાય ત્યારે શ્રીહરિ પોતે તાન તોડતા. નિષ્કુળાનંદ ગાય ત્યારે સંસાર ગમે નહિ અને વનવાસ પ્રિય લાગે.'
૯. અવંતીના ભોજરાજના દરવારમાં સ્વયં ગણપતિએ આપેલું વિશાળકાય મૃદંગ હતુ, જેના પર તાલ આપવો કોઇનું ગજું ન હતું પાટણના રાજા ભીમદેવના દરબારમાં અવંતીએ આ મૃદંગ વગાડવાનો પડકાર મોકલી ગુજરાતનું માનભંગ કરવાનો પ્રયત્ન કર્યો., ત્યારે ભીમદેવની પત્ની રાજરાણી ચૌલાદેવીએ તે મૃદંગ વગાડિ વતાવ્યું ત્યારબાદ ૮૦૦ વર્ષ સુધી આ મૃદંગ વગાડવાની કળા કોઇની પાસે ન હતી.
૮૦૦ વર્ષ બાદ સંગીતકારોએ શ્રીજી મહારાજને 'તમારા સાધુઓ આ મૃદંગ વગાડિ આપે' એવો પડકાર કર્યો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ મૃદંગ વદાડવા આજ્ઞા કરી. ચૌલાદેવી તો નર્તકી હતી અને મૃદંગ તેનું પ્રિય વાદ્ય હતું. આથી કટીભંગમુદ્રા વડે લળી લળીને તેને બંને હાથે મૃદંગ વગાડી સંભળાવ્યું. પણ બ્રહ્માનંદ સ્વામી સ્થુળકાય હતા. તેમણે લાકડાના બે થાંભલા પર લાકડું આડું ગોઠવી તેના પર મૃદંગ ત્રાસું ગોઠવાવ્યું. પછી વચ્ચે બેસીને મૃદંગને તાલ આપ્યો. ગવૈયાએ ઘણા અટપટા રાગ ગાયા, પણ બ્રહ્માનંદ સ્વામી તાલ ન ચુક્યા. તેમણે ગુજરાતની સંગીતકળાનું ગૌરવ વધાર્યું.
૧૦. આ સંપ્રદાયનું કાવ્યક્ષેત્રે પરોક્ષ ફાળો એટલે કવિ દલપતરામ. સંપ્રદાયે દલપતરામને શીખવ્યું કે બીભત્સ રસ નથી, રસાભાસ છે. આથી તેમણે પોતે સ્ત્રી-શૃંગાર વિશે રચેલા 'હીરાદંતી' અને 'કમળલોચની' ગ્રંથોનો નાશ કરી નાખ્યો. તેમની કાવ્યપ્રકૃતિમાં દેખાતો સદાચારણ માટેનો આગ્રહ, સ્ત્રી-પુરુષ સબંધોની મર્યાદાનું ભાન, આ બધું એ સંસ્કારોને આભારી છે. સ્વામિનારાયણ સંત દેવમુની તેમના કાવ્યગુરૂ થાય.
આજે વાતો ઘણી થઇ ગઇ. બસ હવે આ હરિભજન માણીયે.
કવિ - માવદાન રત્નુ
સ્વર - લલીતા ઘોડાદ્રા
સંગીત - જીતેશ ગીરી
મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ,
શ્રીજીને પ્યારા બહુ મોગરનાં ફૂલ.
લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રળીયામણી
પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી,
ખીલ્યાં ખીલ્યાં રે ક્યાંક મનગમતાં ફૂલ.
ડોલર ગુલાબ ફૂલ ચંપો ચમેલી,
કેતકી કરેણ ઝાંય જુઇ અલબેલી
મોગરાની પાંખડીમાં સૌરભ અમૂલ.
ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું,
વીણીને વીણી મારું મનડું કાંઇ લીધી,
એક સોને આઠ ચુંટ્યા મોગરાના ફૂલ.
મોગરાની માળા ગુંથી માવ કવિ રાયે,
કાવ્યની કુસુમ મારા કદી ના કરમાયે,
નિર્ગુણ એ માણસના મૂલ છે અમૂલ.
સંદર્ભ પુસ્તકો
ભગવાન સ્વામિનારાયણ - સંગીતકલાના પોષક,
૧૯મી સદીમાં ગુજરાતમાં સ્વામિનારાયણનું સાંસ્કૃતિક પ્રદાન
'શિક્ષાપત્રી' સમશ્લોકી
સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ઃ જીવન અને કાર્ય
1 પ્રત્યાઘાતો:
આ કીર્તનના રચનાકાર કવિ માવદાન રત્નુ છે.
"મોગરાની માળા ગુંથી માવ કવિ રાયે"
કવિ માવદાન રત્નુ જામનગરના રાજકવિ હતા.
Post a Comment