શાંતિ પમાડે તેને સંત કહીયે - નરસિંહ મહેતા
આજે આપણા સુગમ સંગીતના ગાયક એવા રાસબિહારી દેસાઇની ૭૬મી વર્ષગાંઠ છે. રાસદાદાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા અને પ્રભુને તેમના સ્વસ્થ દીર્ધાયુ માટે પ્રાર્થના.
પ્રસ્તુત ગીતના કર્તા વિશે મને મૂંઝવણ છે. દિવ્ય ભાસ્કરના લેખમાં આ ગીતના કર્તા તરીકે બાપુસાહેબ ગાયકવાડનું નામ છે. પણ આ ગીતની સીડીમાં કર્તા તરીકે નરસિંહ મહેતાનું નામ છે. વળી, ગીતના અંતમાં પણ નરસિંહ મહેતાનું નામ આવે છે.
અંતે મારું માનવું એવું છે કે, દિવ્યભાસ્કરમાં જે ગીત આપ્યું છે, તે બાપુસાહેબનું હોઇ શકે. બન્ને કવિઓએ 'શાંતિ પમાડે તેને સંત કહીયે' ધ્રુવપદ રાખીને ગીતો રચ્યા હોઇ શકે. મને વધારે ખબર નથી. આથી કર્તાની ચર્ચામાં વધુ ઉતર્યા વગર આ ગીતનો આસ્વાદ માણીયે, રાસદાદાને ખુબ ખુબ શુભેચ્છા આપવાની સાથે.
ઓ ભાઇ રે ! શાંતિ પમાડે તેને તો સંત કહીએ,
એના દાસના દાસ થઇ રહીએ.
વિદ્યાનું મૂળ મારા ગુરૂએ બતાવ્યું
ત્યારે મહેતાનો માર શીદ ખાઇએ?
કીધા ગુરૂજી ને બોધ નવ આપે,
ત્યારે તેના ચેલા તે શીદ થઇએ?
વૈદ્યની ગોળી ખાતાં દુઃખ નવ જાય
ત્યારે તેની ગોળી કેમ ખાઇએ?
લીધા વળાવા ને ચોર જ્યારે લૂંટે
ત્યારે તેની સોબતે શીદ જઇએ?
નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યું,
ને તે તો ચોંટ્યું છે મારે હૈયે,
મહેતા નરસૈંયાની વાણી છે સારી,
તો શામળાને શરણે જઇએ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment