Saturday 11 June 2011

વારતા રે વારતા અને બીજા બાળગીતો - સંકલીત

બાળપણના વિશ્વમાં આંટો મારવાનો આનંદ અનેરો હોય છે. બસ બેઠાં બેઠાં 'વારતા રે વારતા' બાળગીત યાદ આવી ગયું. પછી તો બાળગીતોની એક આખી યાદગીરી સ્મૃતિપટ પર આવી ગઇ. બાળપણમાં ડોકીયું કરવાનો લ્હાવો આપણે સહુ માણીયે. 'મેઘધનુષ્ય'ના સથવારે નાનપણાના વિવિધ રંગોની ઝાંખી લઇએ.




વારતા રે વારતા,
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાને સમજવતા.

એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભિસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર માડી.
 અરરર માડી.

===========================================================
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ

તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો
===========================================================

મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં કોઇ લાવે નહિ
============================================================
દાદાનો ડંગોરો લીધો
એનો તો મેં ઘોડો કીધો

ઘોડો   કૂદે    ઝમઝમ
ઘૂઘરી વાગે ઘમઘમ
ધરતી   ધ્રુજે    ધમ     ધમ

ધમધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય
કૂદતાં કૂદતાં આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ
સહુના મનને મોહી રહ્યો
એક ઝવેરી જોઈ રહ્યો

ઝવેરીએ તો હીરો દીધો
હીરો મેં રાજાને દીધો
રાજાએ ઉતાર્યો તાજ
આપ્યું મને આખું રાજ
રાજ મેં રૈયતને દીધું
મોજ કરી ને ખાઘું પીધું

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP