Monday 25 July 2011

ઊંચે ઝરૂખડે ઝૂકી ગુજરાતણ - ઉમાશંકર જોશી

કવિ - ઉમાશંકર જોશી
સ્વર - ઐશ્વર્યા મજુમદાર, ડૉ. પાર્થ ઓઝા
સંગીત - અમર ભટ્ટ




ઊંચે ઝરૂખડે ઝૂકી ગુજરાતણ,
વનને મારગડે ટહુકી ગુજરાતણ.
         નીરભર્યે બેડલે
         ફરકંતે છેડલે
વીજભરી વાદળી શી છલતી ગુજરાતણ.
ઘેર ઘેર ઢેલડ શી ઢળતી ગુજરાતણ.

માડીની અમરત આંખો ગુજરાતણ,
વ્હાલપની હૂંફભરી પાંખો ગુજરાતણ.
         ફાગણના ફાગ કે
         વૈશાખી આગ રે !
રસઘાટે સારસી-શી ઘેલી ગુજરાતણ,
રણવાટે પ્રીતમથી પહેલી ગુજરાતણ.

દૂબળાંની બેલી થતી અબળા ગુજરાતણ,
કેસરિયાં સજનારી સબળા ગુજરાતણ.
          ખેતરે ને કોતરે
          મેદનીને મોખરે
સોળે કળા ખીલી દીઠી ગુજરાતણ,
ગરબે ઘૂમંત ગોરી મીઠી ગુજરાતણ.

        આંખ અમી છલકે
        મુખ મીઠું મલકે,
સાડીના સઢ ભર્યા ખૂલે ગુજરાતણ,
ભાવિને પંથ ધીર ઝૂલે ગુજરાતણ.


0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP