Thursday 22 September 2011

કે લીલાનું થાશે મિલન આજ રાતે - આસીમ રાંદેરી

કવિ - આસીમ રાંદેરી
સ્વર.સંગીત - મનહર ઉધાસ




સુંવાળો છે શીતળ પવન આજ રાતે,
પ્રસારે છે ખુશ્બુ ચમન આજ રાતે,
રુકેલી છે આંખો ગગન આજ રાતે,
ખીલે કાં ન કુદરતનું મન આજ રાતે;
ન કાં હોય એ સૌ મગન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.


હતી કલ્પનામાં જે રાહતની દુનિયા,
મને જોવા મળશે એ રંગતની દુનિયા,
મુહોબ્બતની આંખો મુહોબ્બતની દુનિયા,
બની જાશે ઘર એક જન્નતની દુનિયા;
થશે હૂરનું આગમન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.


જીવનને કહો આજ દિપક જલાવે,
હૃદય લાગણીઓના તોરણ બનાવે,
ઉમંગો શયનસેજ સુંદર બનાવે,
નયનનું છે એ કામ પાંપણ બિછાવે;
પધારે છે એ ગુલબદન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.


વહે છે નસેનસમાં જેની મુહોબ્બત,
નયનમાં છે જેની સદા રમ્ય સૂરત,
હૃદય મારું છે જેની સંપૂર્ણ મિલકત,
કવનમાં છે જેની જવાનીની રંગત;
હું ગાઈશ એના કવન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.


હું દમ જેની પ્રીતીનાં ભરતો રહ્યો છું,
જૂદાઈમાં જેની હું મરતો રહ્યો છું,
વિચારોમાં જેનાં વિચરતો રહ્યો છું,
કવિતા સદા જેની કરતો રહ્યો છું,
થશે એના સો સો જતન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.


પ્રથમ પ્રેમમંદિરમાં લાવીશ એને,
પછી ભેટ દિલની ધરાવીશ એને,
બધી આપવિતી સુણાવીશ એને,
કહું શું કે શું શું જણાવીશ એને;
થશે દિલથી દિલનું કથન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.


કહો કોઈ ‘આસિમ’ને વીણા ઉઠાવે,
ગઝલ એક મીઠી મિલનની સુણાવે,
ન ઉતરે નશો એવી રંગત જમાવે,
મુહોબ્બતનાં માદક તરંગે ચઢાવે,
એ પૂરું કરે છે વચન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.....


(શબ્દો - સરવાણી)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP