Monday 31 October 2011

એક સીમાચિહ્ન, એક ટહેલ

જોત જોતામાં અભિષેક પર પ્રકાશીત ગીતોની સંખ્યા ૭૦૦ ના આંકને પાર કરી ગઇ છે. યુનુસભાઇના બ્લોગ 'રેડીયોવાણી'થી પ્રેરણા લઇને લગભગ દોઢ વર્ષ પહેલા 'અભિષેક' ગૂંજતો કર્યો હતો.રોજની એક પોસ્ટનો નિયમ છે, જેમાં ભાગ્યેજ કોઇક અપવાદ રહ્યો હશે. ઘણી વાર મોડી રાતના તો કોઇક વાર સવારે બ્રાહ્મમૂહર્તમાં ઊઠીને અભિષેકને અપડેટ કર્યો છે. 'અભિષેક' મારા માટે એક ઊર્જાસ્ત્રોત છે. ગમે તેટલા કામ અને થાક વચ્ચે પણ અભિષેક પાછળ ફાળવેલી ૩૦ મીનીટ મને ઉત્સાહથી ભરી દે છે. વાચકોની ઉમદા કોમેન્ટ અને મેઇલ સતત મળતા રહ્યા છે, અને તેને કારણે સતતત નવું નવું કરતા રહેવાનો ઉત્સાહ વધતો રહ્યો છે.

પણ છેલ્લા છ મહિનાથી એક મોટો ફેરફાર થયો છે. સીએ થયા પછી પોતાની પ્રેક્ટીસ ચાલુ કરી છે. એલએલબીનો અભ્યાસ પણ ચાલુ છે, કોલેજના વિદ્યાર્થીઓને પ્રાધ્યાપક તરીકે ભણાવવા જવાની તૈયારી પણ ચાલી ્રહી છે. 'ગુજરાતી પ્રતિભા પરિચય'ને સમૃદ્ધ કરવાની મોટી જવાબદારી છે, તો ઘરની જવાબદારી તો ખરી જ. આમ એક સાથે અનેક મોરચા લડવાનો પ્રયત્ન કરી રહ્યો છું, અને દરેક મોરચે શ્રેષ્ઠ જ આપવું તેવો મારો નિયમ છે.પણ હવે લાગે છે કે એકલે હાથે નહીં પહોંચી વળાય. સપના મોટા છે, અને અનુભવ ઓછા. સમયની ઉપલબ્ધતા પણ સંકોચાઇ રહી છે. તો બીજી બાજુ ગુજરાતી ગીત સંગીતના ખજાનાના હજી અનેક મોતી છે કે જે વહેંચવાના બાકી છે. આ ખજાનો વહેંચ્યા વગર પણ છૂટકો નથી. આથી વાચકોને વિનંતી છે કે તેઓ અથવા તેમના વર્તુળમાંથી કોઇ યોગ્ય વ્યક્તિ 'અભિષેક'ના સંચાકલ મંડળમાં જોડાવા ઇચ્છે, તો મને જણાવવા વિનંતી. સંચાકલમંડળની ક્ષમતા અને સંખ્યા વધારવા સીવાયનો મને બીજો કોઇ ઉપાય દેખાતો નથી.

વળી, હજી અભિષેકને વધુ સજ્જ અને યુસરફ્રેંડલી બનાવવો છે. નવા ફિચર્સ ઉમેરવા છે, જેની પણ નિષ્ણાત જાણકારીનો મારી પાસે અભાવ છે. આ્થી 'અભિષેક' વતી હું વિશ્વગુર્જરી સમક્ષ મદદની ટહેલ નાખું છે.

અંતમાં, હરિઇચ્છા ખુબ બળવાન છે. જેમ હરિએ આ બ્લોગ ચાલુ કરાવ્યો, આટલો ચલાવ્યો તેમ ભવિષ્યમાં પણ તેઓ આ બ્લોગનું સફળતાપૂર્વક સંચાલન કરવાની ક્ષમતા આપસે જ.

આપ સહુને મારા નૂતન વર્ષાભિનંદન

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP