Tuesday 17 January 2012

અમથા અમથા અડ્યા - મનુભાઇ ત્રિવેદી 'સરોદ'

કવિ - મનુભાઇ ત્રિવેદી 'સરોદ'
સ્વર - હંસા દવે, પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત - ક્ષેમુ દિવેટીયા



અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે છાના છાના રડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી, નહીં કોઇને નડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી, અંગ અંગથી દડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા ‘સરોદ’-સ્વામી જોતે જોતે જડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

(આ ગીતના શબ્દો અને આસ્વાદ માણવા મુલાકાત લો - લયસ્તરો)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP