ટહુકે ટહુકે ઓગળવુ એ પ્રેમ - તુષાર શુક્લ
ટહુકે ટહુકે ઓગળવુ એ પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વ્હેમ, પ્રિયે, લે તાલી… દે તાલી !
અધ-મધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ,
આંખોના આકાશમાં હોયે કાં’ક તો નીતિ નિયમ;
પરવાળાના ટાપુ જેવી નીંદરને ના લડીએ,
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઈને કહીએ.
હોવું આખું મ્હેંક મ્હેંક કે પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !
આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ,
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પલ પલ;
નક્શાની નદીઓને માથે ચિતરાયાનો શ્રાપ,
અધક્ષણ ઉપરવાસમાં મૂઠ્ઠી ચોમાસા શું આપ !
સૂર્યમુખીના સંબંધોની પરવશતાનાં પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !
(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment