રૂડીને રંગીલી રે...- નરસિંહ મહેતા
રૂડીને રંગીલી, વ્હાલા, તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો,
આ પાણીડાની મધ્યે રે, જીવણ જોવાની ચર્ચા રે લોલ
આ બેડાં મેલ્યાં માનસરોવર પાળ્ય જો
આ ઇંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળ્યમાં રે લોલ
આ ગોપી હાલ્યાં, વનરાવનને મોધાર જો
આ કાનવર કોડીલા કે કેડો મારો રોકી ઉભા રે લોલ
કેડો મારો મેલો, પાતળિયા ભગવાન જો
આ બાપુની હઠીળી નણંદ બેડાં તોલ કરે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝંકાર જો
આ હળવા હળવા હલ્લો કરે રાણી રાધીકા રે લોલ
જીવલડો મારો આકુળવ્યાકુળ થાય જો
આ કંઇ આંખોએ દીંઠા કામણગારા કાન ને રે લોલ
આ નીરખી નીરખી થઇ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને ભલે મળ્યા રે લોલ
0 પ્રત્યાઘાતો:
Post a Comment