તારીખ ૧૬ મે ૨૦૧૦ની મુલાકાત વિશે
આજે સવારે અમે થોડા મિત્રો વીરપુર ગયા. સૌરાષ્ટ્રનું આ ખોબા જેટલું ગામ જલારામબાપા જેવા સંતને પામીને ધન્ય થઇ ગયું છે. નાનપણથી જલારામબાપા વિશે અનેક કથા, દંતકથા, ભજનો વગેરે સાંભળ્યાં છે. વીરપુરનું મંદિર જોઇને ખુશ થઇ જવાયું. હિન્દુ મંદિરોમાં જ્વલ્લે જ જોવા મળે તેવી બે વસ્તુ ત્યાં જોઇ : સ્વચ્છતા અને ભેટ-સોગાદોની નિષેધતા.
મંદિરના રસોડે રોજ હજારો લોકો કઢી-ખીચડીનો પ્રસાદ જમે છે, પણ મંદિરમાં ક્યાંય ગંદકી ન જોવા મળી. વળી આપણાં મંદિરો દાન મેળવવા માટે જાત-જાતનાં તીકડમ કરે છે ત્યારે અહીં એકપણ દાનપાત્ર ન જોઇ સુખદ આશ્ચર્ય થયું.
હા પણ, એક બાબત જોઇ મન ક્લિષ્ટ થઇ ગયું. જલારામબાપા શ્રીરામના મોટા ભક્ત હતા. પણ વીરપુરના મંદિરમાં રામસીતાની મૂર્તિને ગૌણ પ્રાધાન્ય અપાયું છે અને જલારામબાપાની છબી જાણે મંદિરની મુખ્ય પ્રતિમા હોય તેમ ગોઠવવામાં આવી છે. જલાબાપાની શીખામણ વીસરી જઇને વ્યક્તિપૂજાને વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તેમ લાગે છે. જલારામબાપાએ પણ આ જોયું હોત તો તેમને ચોક્કસ દુઃખ થાત. વ્યક્તિપૂજાના વાડામાંથી નીકળવાની જરૂર છે.
એકંદરે બહુ જ સરસ યાત્રા.
0 પ્રત્યાઘાતો:
Post a Comment