હજો હાથ કરતાલ - રાજેન્દ્ર શુક્લ
આ ઇશ્કેહકીકી ગઝલમાં કવિએ કોઇ પણ પંથ કે ગઝલકારનું નામ લીધા વગર એમના સાધન અને લઝણોનો ઉલ્લેખ કરીને એમની મસ્તી, ફકીરી, તલ્લિનતા, ત્યાગ, સમર્પણને વ્યક્ત કર્યા છે. આ ઉપરાંત જે મહાત્માં જે પ્રદેશ સાથે સંકળાયેલા હતાં તે પ્રદેશની ભાષાનાં એકાદ બે શબ્દો મુકીને ભાવને અનુરૂપ વાતાવરણ રચ્યું છે.
સ્વર, સંગીત - પરેશ ભટ્ટ
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.
છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.
નયનથી નીતરતી મહાભાવ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.
શબોરોજ એની મહેકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક.
(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment