આણાં આવ્યાં રે સૈયર - લાલજી કાનપરિયા
પિયુંના આણાં આવવાની વાત સાંભળીને નાયિકા અત્યંત ઉત્સાહિત થઇ જાય છે. તેનાં ઉત્સાહને અત્યંત ઊર્મિશીલ શબ્દોમાં કવિએ મઢી લીધા છે.
કવિ - લાલજી કાનપરિયા
સ્વર - વિભા દેસાઇ
ઝાડ પર ઝુમકડું, ઝુમકડું લુમેઝુમે
આણાં આવ્યાં રે સૈયર....
તોરણ ગુંથ્યું ફૂલ, ફૂલમાં ગુંથ્યું ગમતું નામ
ઉંબર વચ્ચે ઊભી રહી હું ભૂલી સઘળું કામ
આજ બારણે લાભ-શુભની વેલ્યું લૂમેઝૂમે
આણાં આવ્યાં રે સૈયર....
અચરજ જેવું ટાણું ઘરમાં હરતું ફરતું મ્હાલે
દર્પણમાંથી ફુટી નીકળતું કોઇ અચાનક ઝાલે
છાતી ઉપર અનરાધારે આખ્ખું આભ ઝઝૂમે
આણાં આવ્યાં રે સૈયર....
દાદાજીના આંબલિયેથી ખરશે કુણું પાન
પિયરથી સાસરના રસ્તે ખોઇ નાખશું ભાન
ચોળી ચણિયાળી ટચૂકડી છબિ આંખમાં ઘૂમે
આણાં આવ્યાં રે સૈયર....
0 પ્રત્યાઘાતો:
Post a Comment