બચપન - કૈલાસ પંડિત
સ્વર, સંગીત - મનહર ઉધાસ
ઘરની સઘળી વસ્તુ મરી ગઇ, બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા, બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળાં રમકડાં …
સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ
આખો દિ’ ઘર આખા ને બસ માથે લઇ ને ફરતો’તો
વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતો’તો
પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતો’તો
જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો’તો
કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી
ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધા’તા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિધા’તા
સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ થઇને નીરખું છું
શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું
ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું
ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું.
ક્યાં ખોવાયું બચપણ મારું ? ક્યાંકથી શોધી કાઢો…
મીઠા મીઠા સપનાંઓની દુનિયા પાછી લાવો …
મોટર બંગલા લઇ લો મારા, લઇ લો વૈભવ પાછો …
પેન લખોટી ચાકનાં ટુકડા મુજને પાછાં આપો …
(શબ્દો - કાવ્યાંજલી)
0 પ્રત્યાઘાતો:
Post a Comment