ઉનાળો આવ્યો આ - પ્રજારામ રાવળ
ઉનાળો આવ્યો આ ધસમસ મહા પૂર સરખો.
ઉનાળો આવ્યો સ્વર્ણિમ નભધરામાં ઝળકતો.
ઉનાળો આવ્યો જીવન અધવચે યૌવન સમો.
ઉનાળો આવ્યો આ પુનરપિ અહો! આમલચતો!
ઉનાળો શોભ્યો કાંચનવરણ આ રાજતરુએ.
ઉનાળો ફોર્યો ડોલરકુસુમ કેરાં દલદલે.
ઉનાળો ખીલ્યો ચંપક તણી અહો, પાંખડી વિશે.
ઉનાળો ડોલ્યો ઉત્કટ ગુલમહોરે મદછક્યો!
ઉનાળો બેઠો આસન નિજ જમાવી અવનિ પે,
તપસ્વી કો તેજોમય પ્રખર જાણે તપ તપે;
નિરોધીને સહેજે શ્વસન, દ્રઢ મૌનવ્રતગ્રહી.
વિશાળા મધ્યાહ્નો અનિમિષ દ્રગોથી નીરખતા.
ધીરે ધીરે ધીરે ડગલું ભરતાં કાલચરણો;
થતો કો આનન્ત્યસ્પરશ; પલટાતાં રજકણો!
0 પ્રત્યાઘાતો:
Post a Comment